એક અનજાન મૂલાકાત– જય ગજજજર, C M,. M.A
સરલાએ ડોર બેલ વાગતાં દરવાજો ખોલ્યો.
સામે ઊભેલી વ્યકિત સામે એ જોઈ રહી પણ ઓળખાણ ન પડી.
બહુ પરિચિત હોય એમ એ વ્યકિત બોલી, “મહેમાનને ઘરમાં આવવા નહિ કહો?”
“ઓળખાણ તાજી કરાવો તો ખબર પડે ને?” સરલાએ સામો સવાલ કર્યો.
“ઘરમાં આવકાર આપો તો તમને સમજાવું ને!” કહેતાં એ ઘરમાં પ્રવેશી ચૂકયો હતો.
સામે પડેલા સોફા પર બેસતાં એ બોલ્યો, “એ વાતને વીસ વર્ષનાં વહાણાં વહી ગયાં અને આમે હું કેટલો બધો બદલાઈ ગયો છું! વજન બહુ જ ઘટી ગયું છે. ગાલે ખાડા પડયા છે.માથાના કાળા ભમ્મર વાળ ધોળા થઈ ગયા છે. અવાજ પણ બદલાઈ ગયો છે. યાદશકિત પણ પહેલાં જેવી શાર્પ નથી રહી. છેલ્લાં કેટલાક વર્ષો ‘એમ્નેશિયા’નો ભોગ બનેલો. હવે ધીરે ધીરે યાદશકિત પાછી આવી રહી છે. જૂના પત્રો ખંખોળતાં આજે એકાએક તમારો એક પત્ર મળી ગયો. કેટલાંક સંસ્મરણો તાજાં થયાં. છેલ્લા
પત્રમાં તમારું સરનામું હતું એ આધારે અહીં આવી પહોંચ્યો. મારું નામ રાજન કનોડિયા છે.”
“રાજન, તું અહીં? આ દેશમાં કેવી રીતે આવી પહોંચ્યો? મારા ડેડીને તારી સાથે મારાં લગ્ન પસંદ નહોતાં એટલે તારાથી છૂટવા મારા કાકા પાસે અહીં ટોરોન્ટો મોકલી દીધી હતી. તારી યાદમાં વર્ષો સુધી ઝૂરતી રહી. છેવટે પાગલ બની ગઈ. દશ વર્ષ
મેં મેન્ટલ હોસ્પિટલમાં ગાળ્યાં. માનસશાસ્ત્રીઓની સારવારથી હું સારી તો થઈ. પણ તને ભૂલી ન શકી. કાકાનું ઘર છોડી આ એપાર્ટમેન્ટમાં રહેવા લાગી. તારી ભાળ મેળવવા તને અનેક ત્રો લખ્યા પણ કોઈ જ પત્તો ન લાગ્યો. હું તને મનથી વરી ચૂકી
હતી. એટલે તારી યાદમાં જીવન જીવવાનો નિરધાર કર્યો. એક સેવાશ્રમમાં પાર્ટ ટાઈમ નોકરી મળી જતાં જીવન જીવવા જેટલું મળી રહેતાં સંતોષ અનુભવતી રહી. આપણા પ્રેમસબંધનાં મીઠા સંસ્મરણો એજ મારી મોટી મૂડી અને હૈયે એક જ અમર
આશા હતી. મને મારા રણછોડ રંગીલામાં અપૂર્વ શ્રધ્ધા હતી કે જો મારો પ્રેમ સાચો હશે તો મરતાં પહેલાં એ આપણો ભેટો કરી આપશે. આપણે પરસ્પર કેટલો બધો પ્રેમ કરતાં હતાં! આપણો પ્રેમ સાચો પ્રેમ હતો!, ફટકિયાં મોતી જેવો પ્રેમ નહોતો. તું ઈચ્છે
તો હવે આપણે મધુરું સહજીવન જીવશું. સંસારનું દિવ્ય સુખ માણશું અને મારે ખોળે આપણા પ્રેમનાં પ્રતિક સમાં બાળકો ખેલતાં હશે!” કહેતાં એ તો ઊભી થઈને રાજનને ભેટી પડી.
રાજન એના પ્રેમભર્યા મિલનથી ધન્ય થઈ ગયો. એકાએક કંઈક વિચાર ઝબૂકતાં એણે સરલાને અળગી કરી અને બોલ્યો,
“ડૉકટરના નિદાન પ્રમાણે હું તારી એ એક મહેચ્છા પાર પાડી શકું એમ નથી. કોઈ સારા નવજુવાનને શોધી તારો સંસાર માંડજે. તારા પ્રેમ, તારી આ તપશ્ચર્યા, તારા આજના સુભગ મિલનથી હું ધન્ય થઈ ગયો છું. તને મારા પ્રેમબંધનમાંથીઆજ
મુકત કરું છું. ભગવાન સારું પાત્ર આપી તને સુખી સંસાર બક્ષી તારી મનોકામના પૂરી પાડે.”
અને રાજન સોફા પરથી બેઠો થઈ દરવાજા ભણી ચાલવા લાગ્યો. એ જોઈ સરલાએ દોડી જઈને એને રોકી લેતાં એનો હાથ પકડી કહ્યું, “ભલા આદમી, એ તો મારા અંતરની એક ઝંખના હતી. તું એ પૂરી ન કરી શકે તો કંઈ નહિ. એક તુ મિલા તો સારી દુનિયા મિલી. જીવનભર તારો પ્રેમાળ સાથ મળી રહે એથી
વિશેષ શું જોઈઐ? બોલ. એ પ્રેમ આપી શકીશ ને?”
“હા… હા… ચાલ, મારી પ્રેમાળ સરલા. એ તો તારો હક છે અને તને જીવનભર મળી રહેશે!” અને એને બે બાહુમાં સમાવી લીધી.
Jay Gajjar, P.O. Box 2096, square one Po.,Mississauga, Ontario.Canada L5B 3C6
Tel.(905) 568_8025 Fax(905)712-1130 Email:gajjar@mail.com