Posted by: bazmewafa | 09/26/2009

ભાથું— જય ગજજર, C.M.M.A

ભાથું— જય ગજજર, C.M.M.A

તક મળતાં વહેલી પરોઢે કાનજી જેલમાંથી ભાગ્યો. સીધો ગામના શાહુકાર ચંપક શેઠને ઘેર પહોંચ્યો.

“શેઠ બારણું ખોલો. તમે મંગાવેલ ભાથું લાવ્યો છું.” કાનજી શાંતિથી બોલ્યો.

ચંપક શેઠે ઉત્સાહમાં આવી જઈ બારણું ખોલી પૂછયું, “કયાં છે મારું ભાથું?”

“તમે મારી યુવાન દિકરી લલી મંગાવેલી ને? લલી તો નથી લાવ્યો, પણ તમારું મોત લાવ્યો છું. તારા ભગવાનને છેલ્લે યાદ કરી લે. નરાધમ ગામની કેટલી સ્ત્રીઓના ભવ તેં રોળી નાખ્યા છે?”છેલ્લા શબ્દોની સાથે એની બંદૂકમાંથી ગોળી છૂટી. ‘હે રામ’ કહેતાં એ જમીન પર ઢળી પડયો. એ સાથે એનું પ્રાણપંખેરું ઉડી ગયું.

શેઠની કેડના કંદોરામાં ચાવી જોતાં એ સમજી ગયો. એણે તિજોરી ખોલી. બધા પૈસા એક થેલીમાં ભરી સીધો જેલમાં પાછલે દરવાજે થી એની કોટડીમાં પહોચી ગયો.એક રાક્ષસનો અંત આણ્યો હતો એમ વિચારી ઊંડો શ્વાસ લઈ એણે કાળકામાનો આભાર માન્યો ગઈ કાલે એની પત્ની બબલી મળવા આવેલી. રડતાં રડતાં કહેલું, “કાના, ઈન્સ્પેકટર કહે છે ‘વીશ હજાર આપ તો તારા કાનાને છોડી મૂકું.’ એ પછી હું ચંપક શેઠ પાસે ગઈ. બહુ આજીજી કરી ત્યારે પૈસા આપવા તૈયાર થયા પણ બદલામાં શું માગ્યું ખબર છે?”

“બોલ, શું માગ્યું? તારું પેલું મંગલસૂત્ર?” “ના, આપણી યુવાન દિકરી એક રાત એમને ઘેર મોકલવાની…” રડતાં રડતાં માંડ વાકય પૂરું કરી શકી. એ સાંભળી કાનાનું લોહી ઉકળી ઉઠયું. પણ શાંત રહી બોલ્યો, “સારું કાલે આવજે. હું જાણું છું એટલા પૈસા કયાંથી લાવવાના. એ નાલાયક પાસે ગઈ જ કેમ? ગામની કેટલીય સ્ત્રીઓની લાચારીનો એણે લાભ ઉઠાવ્યો છે. આપણી લલીને સંભાળજે. એ નરાધમને ભૂલી જા. કાલે આ ટાણે આવવાનું ના ભૂલતી.”

કીધા પ્રમાણે સાંજે બબલી આવવી જોઈએ એમ વિચારી એણે ખૂણામાં સંતાઈને પૈસા ગણ્યા. પૂરા પચાસ હજાર હતા. એણે કાળકામાને થાળ ધરાવવાની બાધા રાખી.

સાંજ પડતાં બબલી આવતાં અને ત્રીસ હજાર આપતાં કહ્યું, “લે આ ત્રીસ હજાર ઈન્સ્પેકટરને આપજે અને કહેજે વીશ હજાર કાનાને છોડી મૂકવાના અને દશ હજાર ચૂપ રહેવાના છે. પૈસા આપીને તું સીધી ઘેર જજે અને મારી વાટ જોજે.”

“પણ આટલા બધા પૈસા તમે લાવ્યા કયાંથી?” “પગલી એવું ન પૂછ. આપણા નેતાઓ અને મોટરોમાં ફરવાવાળા શેઠિયાઓ પાસે પૈસા કયાંથી આવે છે એની તને કે મને ખબર છે? એમ માનજે કે કાળકામાતાની આ દેણ છે.”બબલી કંઈ સમજવાનો વિચાર કરતી સીધી ઈન્સ્પેકટર પાસે ગઈ અને કાનજીના શબ્દો કહી ત્રીસ હજાર આપી ઘરની વાટ લીધી.

ઈન્સ્પેકટરે ગણ્યા વિના ઝડપથી પૈસા ખિસામાં મૂકતાં ધીમેથી કહ્યું, “તું કયાંથી લાવી આટલા બધા રૂપિયા? ચંપક શેઠને ઘેર ગઈ’તી?” અને કંઇ સમજી જતાં ઉમેર્યું, “તું પણ ચૂપ રહેજે. કાનાને આ કશી વાત ના કરતી, નહિતર તારો જન્મારો ધૂળધાણી થઈ જશે.”

બબલીનું મન અનેક વિચારોથી ઉભરાઈ આવ્યું પણ કંઈજ બોલ્યા વિના ઘેર પહોંચી કાનાની રાહ જોવા લાગી.

 

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

 


Responses

  1. મન સોસરવી ઉતરી જાઈ તેવી નવલીકા. સરસ. આભાર.


Leave a response

Your response:

Categories