પત્તાંનો મહેલ ઊડી ગયો—અદમ ટંકારવી
એના પાયામાં પડી બારાખડી,
ચોસલાંથી શબ્દોના ભીંતો ચણી.
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે.
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.
થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા.
સાથિયા કેવળ પ્રયોગી આંગણે.
રેશમી પડદા વિશેષણના હાલ્યા.
જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો.
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.
વાહ !
By: atuljaniagantuk on 09/26/2009
at 1:58 AM
ખૂબ સરસ.
કવિતામાં આ બધું (વ્યાકરણ છંદ અલંકાર વગેરે) તો જોઈએ જ પણ અનુભૂતિ ન હોય તો આ બધું નકામું.
By: Pancham Shukla on 11/13/2009
at 2:29 PM