રમઝાન મુબારક –ગુજરાત ટુ ડે
ગુરૂવાર17સપ્ટે.2009
હઝરતે અબૂ બક્ર સિદ્દીક (રદિ.)ની એક રિવાયતમાં છે કે અલ્લાહના નબીએ (સ.અ.વ.) ફરમાવ્યું કે ત્રણ, પ્રકારના લોકો જન્નતમાં દાખલ થઇ શકશે નહ, એક તો એ કે જે લોકો વચ્ચે છળકપટથી વેરના વાવેતર કરે છે, બીજો એ કે જે કંજૂસ છે, અને ત્રીજો એ કે જે એહસાન કર્યા પછી તેનો ઢંઢેરો પીટે છે. સૂરએ બક્રની આયત નંબર ર૭ર અને સૂરએ અન્ફાલની આયત નંબર ૬૦માં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે તમે જે માલ અલ્લાહની રાહમાં ખર્ચો છો તેનો તમને પૂરેપૂરો બદલો આપવામાં આવશે જ. પણ તે ઊપરની શરતોને આધિન છે. એ જ આયતમાં કહેવાયું છે કે તમે જે ખર્ચ કરો છો તે પ્રથમ તો તમારા પોતાના હિતમાં છે. એટલે કે પરોપકારની વાત અસ્થાને છે, પછી આવે છે, ગૌણ છે.
હદીષ શરીફમાં છે કે અલ્લાહની રાહમાં ખર્ચ કરવાની શરૂઆત એનાથી કરો જે તમારી ઊપર નિર્ભર હોય. હઝરતે અબૂ હુરેરહ (રદિ)ની એક રિવાયત પ્રમાણે એક જણે દરબારે રિસાલતમાં હાજર થઇ પૂછયું કે યા રસૂલુલ્લાહ મારી પાસે એક દીનાર છે હું ખર્ચ કરવા માંગુ છું. આપે (સ.અ.વ.) ફરમાવ્યું તમારી જાત ઊપર પહેલા ખર્ચ કરો. એમણે કહ્યું મારી પાસે હજુ એક દીનાર છે. ફરમાવ્યું તમારા દીકરા ઊપર ખર્ચ કરો, એમણે કહ્યું મારી પાસે હજુ પણ એક દીનાર છે, ફરમાવ્યું તમારી પત્ની ઊપર ખર્ચ કરો, એમણે કહ્યું મારી પાસે હજુ પણ એક દીનાર છે, ફરમાવ્યું હવે તમે જાણો, અર્થાંત તમારા સગા સંબંધિઓ પાડોશીઓ અને મિત્રોમાંથી જે જરૂરતમંદ હોય એને આપો. સૂરએ બક્રની આયત નં.ર૧પમાં છે કે લોકો આપને (સ.અ.વ.) પૂછે છે કે અમે શું ખર્ચ કરીએ તો એમને કહો કે પોતાના માતા પિતા ઊપર, સગાઓ ઊપર અનાથો અને નિર્ધનો તેમજ મુસાફરો ઊપર ખર્ચ કરો. તમારા સદકાર્યોથી અલ્લાહ સુપરિચિત છે જ.
હઝરતે અબૂ હુરેરહ (રદિ.)ની એક રિવાયત પ્રમાણે અલ્લાહના રસૂલે (સ.અ.વ.) ફરમાવ્યું કે એ સદકો ઊત્તમોત્તમ છે જે મોહતાજ માણસ, પોતાને જરૂર હોવા છતાં, થોડામાંથી થોડું આપે.
ફારસી કવિ શેખ સાદીએ કહ્યું છે કે ‘‘નીમ નાની ગર ખુરદ મર્દે ખુદા બઝલે દુરવેશાં કુનદ નીમી દિગર’’ અલ્લાહના પ્રિય બંદાઓ અર્ધીમાંથી અર્ધી રોટલી નિર્ધનોને આપીને જ જમે છે. અલ્લાહની રાહમાં ખર્ચ કરતી વખતે નીચેની આયતમાં વર્ણવેલ લોકોને શોધીને એમને પ્રાથમિકતા આપવી જોઇએ. અલ્લાહ તઆલા ફરમાવે છે, ‘‘વિશેષ રૂપે મદદના હકદાર એ નિર્ધન લોકો છે, જેઓ અલ્લાહના માર્ગમાં ઘેરાઇ ગયા છે કે સ્વયં પોતાના રોજગાર માટે ધરતી ઊપર કોઇ દોડધામ નથી કરી શકતા. તેમનું સ્વમાન જોઇને કોઇ અજાણી વ્યકિતને એમ જ લાગે કે તેઓ સુખ-સંપન્ન છે પણ તમે એમના ચહેરા ઊપરથી એમની આંતરિક પરિસ્થિતિનો કયાસ/તાગ કાઢી શકો છો. આ પ્રકારના નિર્ધન લોકો કોઇની પાછળ પડી જઇને માંગ માંગ નથી કરતા.’’ (રઃર૭૩) મધ્યકાળના અમીર ઊમરાવો, સમાજના યતીમ, વિધવા અને સ્વમાની મોહતાજોની ચૂપચાપ જાત માહિતી મેળવતા રહેતા હતા અને ગુપ્ત રાહે એમને સહાય કરતા રહેતા હતા.