Posted by: bazmewafa | 06/27/2009
ફાધર્સ ડે(પિતૃ દિન) એ અમારા બાપુને વંદન—જય ગજ્જર ,C.M.M.A
ફાધર્સ ડે(પિતૃ દિન) એ અમારા બાપુને વંદન—જય ગજ્જર ,C.M.M.A

આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયુંછે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે.પણ પિતા વિષે બહુ ઓછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચપિતા ત્વમેવ…’ માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.
મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી. મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’ કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’ સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.
કોઇ ભલે કહેતું કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. બાપ પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે ની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે.
સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.
અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા
વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે
ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.
એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા. એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી
આ સંસારમાંથી વિદાય લીધી. એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ‘ફાધર્સ ડે’ ઉજવવાની હિમાયત કરી.
વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની Y.M.C.A, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે. ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી.અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ
મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પિતાજી પૂજાલાલ ગજજર મારી આંખ સામે રમી રહે છે. કેવા વિનમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને ભગવાન રણછોડરાયના એ ભકત હતા! પૂજાપાઠ કરી સવારે સાત વાગે શોરોક મિલમાં જઇ સુથારી કામ કરે. સાડા ત્રણ વાગે મિલમાંથી છૂટી ઘેર આવી,ચા પી સાંજના ઘેર કોઇના ફર્નિચર બનાવવાનું કામ કરે કે અન્ય પ્રકારનું સુથારી કામ કરવા બહાર જાય. મોડી રાત સુધી કાળી મજૂરી કરી વધારાના પૈસા કમાય.
ફીના કે પુસ્તકોના પૈસા માગો કે બીજે દિવસે તમારા હાથમાં મૂકી દે.કોઇને ખબર પણ ન પડવા દે કે પૈસા કયાંથી આવે છે! સૌને ભણાવવા અને સૌનાં ઉત્તમ જીવન ઘડતર પાછળ એમણે જે રીતે જીવન ખર્ચી નાખ્યું એનું સ્મરણ આંખો ભીની કરી દે છે. અમારી બા જેટલાં જ પ્રેમ,અને લાગણીના ધોધમાં અમને એ તરબોળ કરી દેતા. એ જમાનામાં એસ.એસ.સી.માં ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો ગુણ મેળવી કુલ્લે
૭૫ ટકા સાથે મેં પાસ કરી ત્યારે એમના મુખ પર જે આનંદ ઊભરાયો હતો તે આજ પણ ભૂલાય એમ નથી! એમના ખાતામાં સૌ કારીગરો, મિત્રો અને સગાં સંબંધીઓને પેંડા વહેંચી ગર્વથી પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. એ વખતે શોરોક મિલના માલિક નવીનચંદ્ર શેઠને મારો પરિચય કરાવેલો. શેઠે ખુશ થઇ મારા આગળ અભ્યાસ માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી. પરિણામે ગુજરાત કોલેજમાં સાયન્સમાં જોડાયો. કોલેજમાં દાખલ થતાં સરકાર તરફથી ઓપન મેરિટ સ્કોલરશિપ પણ મળી. આમ સાયન્સનું એક વર્ષ પૂરું કર્યું પણ રાત દિવસ મજૂરી કરતા મારા બાપુજીનો કુટુંબનો ભાર હળવો કરવા કંઇક આર્થિક મદદ કરી શકું એ હેતુથી એન્જિનિયર કે ડૉકટર બનવાનાં સપનાં છોડી અસારવા વિધાલયમાં શિક્ષક તરીકે જોડાયો. એ દિવસે મારા બાપુજીને જે દુઃખ થયેલું તે હું કદી નહિ ભૂલી શકું એમ નથી.
અમારા બાપુજીમાં ધગસ હતી, અનેરી સ્ફૂર્તિ હતી, કુટુંબ માટે પૈસા કમાવાની ધૂન હતી. યુવાન વયે તેઓ કમાવા માટે આફ્રિકા ગયેલા, ત્રણેક વર્ષ રહ્યા પછી રંગભેદના વિગ્રહો થતાં ૧૯૩૬માં દેશમાં પાછા ફરેલા.
જીવનના અંત સુધી આખી જિંદગી સુથારી કામ કરતા રહી બહોળા કુટુંબનો જે ભાર ઉપાડતા રહ્યા એની માનસિક વ્યથામાં અલસરનો ભોગ બન્યા. કુટુંબમાં સુખનો સૂરજ ઊગી રહ્યો હતો, બાપુજીને નિરાંતનો દમ લેવાનો સમય આવી રહ્યો હતો અને બાને જયારે હૂંફાળા સાથની જરૂર હતી ત્યારે બહોળા કુટુંબને રડતાં મૂકી નવેમ્બર ૧૫,૧૯૭૫ના રોજ નોકરીમાંથી નિવૃત થવાના દિવસો નજીક આવી રહ્યા હતા એ અરસામાં જિંદગીમાંથી સદાને માટે વિદાય લીધી. એ દુર્ભાગ્યની પળે હું પાંચ વર્ષ કેનેડામાં રહ્યા પછી ૧૯૭૫માં મારાં બાબાપુજીને મળવા દેશમાં આવ્યો હતો. એમણે મને ખૂબ જ ઉત્સાહથી,પ્રેમથી આશીર્વાદ આપી કેનેડા જવા ૧૯૭૦માં હરખભેર વિદાય આપી હતી. મારા બાપુજી કેનેડાની મારી પ્રગતિની વાતો સાંભળી ધન્ય થઇ ગયા અને એમના આનંદની કોઇ સીમા નહોતી. શરીરમાં એક રોગ ઘર ઘાલીને બેઠો હતો તેનો કદી કોઇને અણસાર જ ન આવવા દીધો. કમનસીબે જેમણે રાત દિવસ મહેનત કરી પાંચે ભાઇઓને ભણાવ્યા, એ બધાને પૈસે ટકે ખૂબ સુખી જોવાનું સદભાગ્ય માણવા એ ઝાઝું ન જીવ્યા. નાનપણમાં
એકલા મૂકી જેમના પિતા ગુજરી ગયા હતા તે અમારા બાપુજીનું કુટુંબ બહુ વિસ્તર્યું છે પણ એ વિશાળ વટવૃક્ષના સુખને જોવા એ અમારી વચ્ચે નથી એનું અમને અપાર દુઃખ છે. ઈશ્વરના ધામમાં અમારા બધાનું સુખ જોઈ એ હરખાતા હશે એવી શ્રધ્ધા છે. ખેદ એટલો જ છે કે જીવનભર રંધો ખેંચી લાકડાને ચમકાવતા રહ્યા તે બાપુજીએ અમારા સૌના જીવનને સૂંવાળાં બનાવ્યાં પણ એનાં ફળ જોવા કે ચાખવા એ લાંબું ન જીવ્યા. બાપુજી,નાનપણમાં તમારી સામે બેસી કયારેક રંધો ખેંચાવતો એ દિવસોને આજ યાદ કરી તમને વંદન કરી ભારે હૈયે ગાઉં છું,જે કર રોજ રંધો ખેંચાવી બાપુને મદદ કરતા,એ કર કલમ ચલાવી બાપુને આજ યાદ કરતા.
જય ગજજર, મિસિસાગા, કેનેડા
41 Palomino Dr. Mississauga, Ontario. Canada L4Z 3H6
Tel. (905)568-3728E.Mail:gajjar@mail.com