ડસે છે દીવાલો—આદિલ મન્સૂરી
મને ચારો તરફથી ડસે છે દીવાલો
ને એકલતા જોઈ હસે છે દીવાલો
દીવાલો ઉપર જૂના ફોટા લટકતા
હજી જૂની યાદો શ્વસે છે દીવાલો
કોઈ છાના પગલાનો રવ અર્ધી રાતે
અને અર્ધી રાતે ખસે છે દીવાલો
ફરી વળતાં ધસમસતાં પાણી નગરમાં
ઘરેઘર હવે તો ઘસે છે દીવાલો
કોઈ રાહદારી ગલીમાં પ્રવેશે
અને શ્વાન સાથે ભસે છે દીવાલો
ઊઘડતા નથી બારના બારી આદિલ
હવે બંધ ઘરમાં વસે છે દીવાલો
આપના પ્રતિભાવ