ગઝલ
મને એ ખબર નથી—અમૃત ઘાયલ
એ રેણ છે કે સંઘ મને એ ખબર નથી
શું ચીજ છે સબંધ મને એ ખબર નથી
સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ
બાકી શું છે સુગંધ મને એ ખબર નથી
બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત
હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી
દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયંય
છું દેખતો કે અંધ મને એ ખબર નથી
આ જેના જોરે જાઉં છું હડસેલતો મને
એ હાથ છે કે સ્કંધ મને એ ખબર નથી
મિત્રો ગઝલ ગઝલ છે ગઝલ એટલે ગઝલ
એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી
‘ઘાયલ’હું એને ચાહું છું સંપૂર્ણ ચાહું છું
છે કિંતુ શો સબંધ મને એ ખબર નથી
(ઝાંય)
beautiful…
By: ashish on 03/19/2009
at 4:47 AM