
સ્વપ્નમાં પિતા- ગુલામમોહમ્મદ શેખ
બાપુ,ગઈ કાલ તમે ફરી દેખાયા
ઘરથી હજારો જોજન દૂર અહીં બાલ્ટિકને કિનારે
હું સુતો છું ત્યાં
તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં
ભાઈઓના ઝઘડામાં તમે સાંધણ કર્યું
ત્યારે પહેર્યો હતો તે જ થીંગડિયાળ કરચલિયાળ કોટ,
દાદા ગયા ત્યારે આમજ ઊભા હશો
એકલા દાદાનાં કરચલિયાળ હાથ ઝાલી,
તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઈમિયાંનાં
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા,
ભોગાવો છોડી ,ભાદર ઓળંગી
રોમજા બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી.
તમારી પૂંઠે તો જૂઓ દોડી આવ્યું કબ્રસ્તાન!
(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)
અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ
(શું ઝઘડો હજી પત્યો નથી?)
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી માં.
માં,મને સંભળાતું નથી
હમણા લગી હાથમાં હતું
તે બાળ પણ અહીંજ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.
(23-11-74 લીથુઆનીઆ)
(શબ્દસૃષ્ટિ-ફેબ્રુઆરી-2009 ના સૌજન્યથી).
આપના પ્રતિભાવ