આદિલ મન્સૂરી: એક સૂર્યાસ્ત***નિર્મિશ ઠાકર
ગુજરાતી અને ઉદૂર્ના મૂર્ધન્ય શાયર આદિલ મન્સૂરી હવે આપણી વરચે નથી, એક ‘સૂર્ય’ અસ્ત થઇ ગયો છે! હું લખવા ખાતર ‘સૂર્ય’ નથી લખતો. એમની ગઝલોમાં અનેક શેર ‘સૂર્ય’ અંગે આવતા, એ એમની વિશેષતા. કરો થોડું આચમન…
દૂર ક્ષિતિજની પાર જઇને
અંધારાંઓ ચરતો સૂરજ
‘‘‘
ભાલાઓ અંધકારના ભોંકાય સૂર્યમાં
તડકાનાં તીર વાંકાં વળી જાય સૂર્યમાં
‘‘‘
સૂર્ય ઊગ્યો તો ય કંટકડાળ પર
રાતનાં લટકી રહ્યા છે ચીંથરાં
‘‘‘
પ્રિય વાચકમિત્રો, આદિલસાહેબ વિષે તો ઘણું લખાતું જશે અને એમના અનેક યાદગાર શેર તમારા સુધી પહોંચતા જશે, પણ એમની મુખ્ય વિશેષતા, તે એમની હાસ્યવૃત્તિ અને અળવીતરાપણું! એમણે પોતાની વિશિષ્ટ શૈલીથી ગઝલને એક નવો વળાંક આપેલો. એમના કેટલાક અળવીતરા શેર હું ખાસ અહીં તમારે માટે ટાંકું છું…
કબજિયાત પંડિતને ભારે
ઓર વકરશે ગઝલો સૂણી
‘‘‘
મેલ ધોવાય છે વિચારોનો
ધમધમે છે ગઝલનો ધોબીઘાટ
‘‘‘
લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી!
‘‘‘
પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી!
‘‘‘
સુનિએ ગઝલ ઔર આપ ભી મિસરા લગાઇએ
મંઝિલ બહુત કરીબ હૈ, લંગડાતે જાઇએ!
‘‘‘
ફિર પુકારોગે ઉન કો રો-રો કર
ડર હૈ ફિર ભી લતાડ દેં ન કહીં!
‘‘‘
તારી ઝુલ્ફોમાં ટાંકી દઉ તારલા
પણ તું આવે સવારે તો હું શું કરું?
‘‘‘
એના પતનને બિલ્લીના કૂદકામાં જોઇને
મારો વિકાસ થાય છે શેરીના શ્વાનમાં!
‘‘‘
શું કહેવું આ અળવીતરા શાયરને? ‘મળે ન મળે’ ગઝલથી અતિપ્રસિદ્ધ અમેરિકાસ્થિત આ શાયર સાથે ફોન પર અનેક વાર સત્સંગ થતો રહ્યો, પણ રૂબરૂ ન મળી શકયા કદીયે! (મળે? ન મળે.) મારું પુસ્તક ‘આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ પ્રગતિમાં છે, એ જાણી એ અત્યંત ખુશ હતા. એમ ઇ-મેગેઝિન ‘ગઝલગૂર્જરી’માં એનો વિશેષાંક થવાનો હતો. પ્રકાશકે પુસ્તકનાં પ્રૂફ પણ એમને પહોંચાડી દીધાં, પણ!
એમના શેરથી વિરમીએ?
‘મીંચાઇ આંખ ઊઘડી ગઇ સાચા અર્થમાં,
મિત્રો મને કબરમાં ઉતારે છે, જોઉં છું!’
(આદિલ મન્સૂરી: નિર્મિશની નજરે’ની તો બઝમે વફા પરિવાર પણ ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે)
‘ Bazmewafa ‘ is doing the great job for Gujarati literature & culture , heartiest congratulations !
NIRMISH THAKER
By: NIRMISH THAKER on 11/21/2008
at 11:59 AM
Adil will be remember by all.
By: Mukund Desai "MADAD": on 11/23/2008
at 11:24 AM