મારો પ્રિય શે’ર** શકીલ કાદરી
ઊંઘને એ મારી આંખોમાં જવા દેતાં નથી,
સર્પ કોઈના સ્મરણના દેહ પર ફર્યા કરે.
__શકીલ કાદરી
પ્રણય કવિતા રચના માટે મહત્વનો વિષય રહ્યો છે.આ શેર જે ગઝલમાં સમાવિષ્ટ છે તે ગઝલ પ્રેમ વિષયક હોવાથી અને તેની સાથે મારી અંગત અનુભૂતિઓ સંકળાયેલી હોવાથી મને મારી પ્રેયસી જેટલો જ આ શે’ર પ્રિય છે. અનેકાનેક પરિસ્થિતિઓ ,પ્રેમાલાપ,અને ઘટનાઓ સ્મરણ સાથે સલગ્ન હોય છે. આ ત્રણે પરિબળો ક્યારેક માનસિક પરિતાપનું કારણ બને છે.આ પરિતાપ,અનિન્દ્રા અને મનોમંથન માટે કારણભૂત સાબિત થાય છે.કોઇના ટેરવાંઓનો સ્પર્શ જે તે સમયે મનને શીતળતાનો અનુભવ કરાવતો હોય છે. પરંતુ જ્યારે એ પરિસ્થિતિમાંથી મનુષ્ય બહાર આવી જાય, અને એકલવાયો બિછાને પડયો પડ્યો વિચાર કરે ત્યારે એ સ્પर्शના સ્મરણ માત્રથી એને ચેન પડતું નથી. ક્યારેક એ સ્પર્શના અનુભવ અંગે પસ્તાવો પણ થાય છે. આ પ્રકારના મનોમંથનની સ્થિતિમાં આ ગઝલ અને એનો આ શે’ર લખાયો છે. સ્મરણ એ માનસિક વ્યપાર,અમૂર્ત હોવા છતાં મૂર્ત હોય એ પ્રકારનો અનુભવ કરાવે છે. સ્પર્શ સુખ માણ્યું એ બદલ જાણે કે શરીર ગુનેગાર હોય એને સજા ભોગવવાનો વારો આવતાં એ સ્મરણથી મનુષ્ય મુકતિ મેળવે નહિ એમ સ્મરણ સર્પ બનીને શરીર ફરીને ચોકી પહેરો ભરતો હોય,શરીર પર આલબેલ પોકારતા ફર્યા કરતા હોય ત્યારે ઊંઘ શી રીતે આવે? સ્મરણ રૂપી સર્પ આ રીતે અનિંદ્રાનું કારણ બન્યા હોવાની પરિસ્થિતિ આ શે’રમાં આપમેળે વર્ણન થઇ ગયું છે.
(‘’ મારો પ્રિય શે’ર ‘’સં : અજીઝ ટંકારવીના સૌજન્યથી)
