બદલો _ જય ગજજર, C.M M.A

“હેપી ફાધર્સ ડે, ડેડ,” રાજે સરસ મજાનું કાર્ડ આપતાં પિતા મનસુખને ભેટી કહ્યું.
મનસુખ આશ્ચર્ય પામી ખૂબ હરખાયો. જેની એણે અપેક્ષા નહોતી રાખી એવું બની રહ્યું હતું. બે દિવસ પહેલાં તો એણે રાજને ધમકાવી ઊંચા સાદે કડવાં વેણ કહી ગાલ પર બે તમાચા ચોઢી દીધા હતા. કલબમાંથી રાત્રે દોઢ વાગે ઘેર આવ્યો હતો. એ એને નહોતું ગમ્યું. દીકરા પર જાપ્તો રાખવામાં એ માનતો હતો. એમને વશમાં ન રાખો તો એ બગડી જાય છે એવી એની દઢ માન્યતા હતી. છેલ્લે છેલ્લે એ રાજ પર અનેક વાર હાથ ઉપાડતો. એટલે રાજ બાપને ધિકકારતો.
“મારવાથી છોકરા બગડી જાય છે. એમને પ્રેમથી સમજાવવા જોઇએ,” પત્ની કલા વચ્ચે પડતી.
“એનું ઉપરાળું લઇ એને બગાડી મૂકવામાં તારો મોટો ફાળો છે. તારે વચ્ચે નહિ બોલવાનું, સમજી?”
કલા ચૂપ થઈ રસોડામાં ચાલી ગયેલી. રાજ પણ ચૂપચાપ એની રૂમમાં ચાલ્યો ગયેલો.
મનસુખ વધારે પડતું બોલી ગયેલો એનું રાજના વર્તન પરથી એને ભાન થયું હતું. બે દિવસ ઘરમાં અબોલા રહ્યા.
સવારે ઊઠતાં જ કલાએ બાથમાં લઈ કિસ કરતાં કહેલું, “હેપી ફાધર્સ ડે, માય ડીઅર.”
“થેંકસ માય ડીઅર,” કહેતાં એનું હૈયું પીગળી ગયેલું.
પણ રાજે બધું ભૂલી ‘હેપી ફાધર્સ ડે, ડેડ’ કહી કાર્ડ અને ગિફટ આપ્યાં ત્યારે રાજ પ્રત્યે જુદો જ ભાવ જાગ્યો. એને લાગ્યું કે રાજ પર કંઈ અસર થવા લાગી છે. એ સુધરી રહ્યો છે અને બધું ભૂલી ગયો હશે. કાર્ડના શબ્દો વાંચી એને એના એ તારણ પર શ્રધ્ધા બેઠી. ગિફટ ખોલતાં કિમતી વૉચ જોઇ એનું મન મલકી ઊઠયું.
ઊભા થઈ રાજને ભેટી બોલ્યો, “આઈ લવ યુ, માય સન.”
રાજની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ. મનસુખને એ આંસુમાં રાજના પસ્તાવાનાં દર્શન થયાં.
પિતાપુત્રના શુભ મિલનનું આ દશ્ય જોઇ કલા બોલી, ’’દીકરાના હૈયાને હવે ઓળખી શકો છો ને? પંડનો દીકરો જ વહેલો મોડો માબાપને સમજી શકે છે! એ દીકરો જ ઘડપણની લાકડી બની રહેવાનો છે. દીકરાને મારવાથી નહિ, પ્રેમથી જ જીતી શકાય.”
મનસુખને એ શબ્દો સ્પર્શી ગયા અને પોતાના વર્તન પર પસ્તાવો થયો.
“સોરી બેટા. હવે જરા સાચી સમજ કેળવજે! આજ પછી હું કદી હાથ નહિ ઉપાડું.”
“ડેડ, હવે હું કંઈ નાનો કિકો નથી. મને સારાનરસાનું ભાન છે. હવે કદી એવી ઘડી નહિ આવવા દઉં કે તમારેહાથ ઉપાડવો પડે! “
મનસુખ આ પરિવર્તનથી હરખાઈ ગયો. એને રાજમાં વિશ્વાસ બેઠો. બીજે દિવસથી એને ધંધામાં પલોટવા લાગ્યો. અને ધંધાની જવાબદારી ધીરેધીરે રાજને સોંપવા લાગ્યો. રાજ ડેડીનો વિશ્વાસ પ્રાપ્ત કરતો રહ્યો.
બેંકની જવાબદારી પણ એણે ઉપાડી લીધી. અવારનવાર મનસુખ હિસાબ જોતો રહેતો. બધું બરાબર અનેવ્યવસ્થિત જોઈ એણે એ બધું જોવાનું બંધ કર્યું. રાજે ધીરે ધીરે બધી જવાબદારી ઉપાડી લીધી. બાપદીકરાવચ્ચે વિશ્વાસની પૂરી ગાંઠ બંધાઇ જતાં મનસુખે પત્નીને કહ્યું, “રાજને ઓળખવામાં મેં મોટી ભૂલ કરી છે. તું સાચી હતી. રાજે મારો બધો ભાર ઉપાડી લીધો છે. હવે હું નિવૃત્તિ લેવા માગું છું.” “હજુ કયાં તમારી ઉમર નિવૃત થવાની થઈ છે. અને રાજ હજુ પૂરો ઘડાયો નથી. એના પર બધી જવાબદારી સોંપી દેવાની ઉતાવળ ના કરશો. એના પર હજુ પૂરી નજર રાખવાની અને તમારા સાથની એને જરૂર છે.”
કલાએ પતિના નિર્ણયનો વિરોધ કરતાં પોતાના મનની વાત કહી એક પ્રકારની ચેતવણી આપી.
પણ મનસુખ એમ કયાં કલાની વાત માને એમ હતો? એણે ધંધાની અને બેંકની બધી જવાબદારી રાજને સોંપી દીધી.
બે વર્ષમાં મનસુખ બિલકુલ નચિંત બની ગયો. નગરના ‘જીવનસંધ્યા’ વૃધ્ધાશ્રમમાં રહેતા જૂના મિત્રનો સાથ મળતાં બંને જૂના શોખ ચેસમાં ગરકાવ થઈ ગયા. દીકરા પરનો વિશ્વાસ દઢ બનતાં એણે બંગલો, કાર અને વેપાર બધું જ રાજના નામે કરી દીધું.
રાજ એની ચાલાકીમાં સફળ થતાં મનોમન ખૂબ હરખાઈ ગયો.
બધાનો માલિક બની ગયા પછી એક દિવસ મનસુખને હોંસથી કહ્યું, “ડેડી, તમે જિંદગી ભર બહુ મહેનત કરી છે. હવે ઉમર થઈ. મમ્મીને સાથે લઈ અમરનાથની જાત્રાએ જઈ આવો. લકઝરી બસમાં મેં તમારી બધી વ્યવસ્થા કરી છે. લો, આ બે ટિકિટો. સાત આઠ દિવસ ફરી આવો”
મનસુખ અને કલા દીકરા પર ખુશખુશાલ થઈ અમરનાથની જાત્રાએ ઉપડી ગયાં. સાત દિવસ પછીપાછા ફરતાં આખે રસ્તે મનસુખ દીકરાના બદલાયેલા વર્તનના અને પ્રેમનાં ગર્વથી વખાણ કરતો રહ્યો.
પોતે દીકરાને સમજવામાં મોટી ભૂલ કરી હતી એનો પસ્તાવો અનુભવતાં ઘરે પહોંચી દીકરાને ભેટી એનોખૂબ આભાર માનવા એ તલસી રહ્યો. ઘેર પહોંચી હોંસે હોંસે ખિસામાંથી ચાવી કાઢી ઘરનો દરવાજો ખોલવાપ્રયત્ન કયોં. પણ એની ચાવીથી દરવાજો ન ખૂલતાં મનસુખને આશ્ચર્ય થયું.
ઘરનું તાળું બદલી રાજે મનસુખને ચોંકાવી દીધો હતો. અર્ધ ખુલ્લા મેઈલ બોક્ષમાં એક કાગળ પર નજર પડતાં મનસુખે ઝડપથી કાગળ લઈ વાંચવા લાગ્યો.“ડેડી, તમારો આભાર કે તમે બધું મારે નામે કરી દીધું. હવે મને સદા માટે ભૂલી કો’ક વૃધ્ધાશ્રમમાં તમારું સ્થાન શોધી મમ્મી સાથે બાકીની જિંદગી તમારી રીતે જીવજો. હું ઝંખતો હતો ત્યારે તમે મને કયારેય બાપનો પ્રેમ નહોતો આપ્યો. હવે તમે પુત્રના પ્રેમની કદી અપેક્ષા ન રાખશો. જીવ્યા મર્યાના ઝાઝા ઝુહાર!
બદલાની અપેક્ષા પૂરી થયાનો આનંદ અનુભવતા રાજના છેલ્લા પ્રણામ.”
મનસુખ અને કલા પરસ્પરને ભેટી પોક મૂકીને રડી પડયાં. એ રૂદનના પડઘા સાંભળવા કે એ આંસુ લૂછવા આસપાસ કોઈ નહોતું.
Jay Gajjar, P.O. Box 2096, square one Po.,Mississauga, Ontario.Canada L5B 3C6
Tel.(905) 568_8025 Fax(905)712-1130 Email:gajjar@mail.com
આ વાર્તા ને “ગદ્દાર” નામ કદાચ વધુ યોગ્ય છે.
હ્રદય સ્પર્શી વાત છે.
By: RAZIA MIRZA on June 21, 2008
at 5:11 am