ગઇ કાલની છે વાત કે _રતિલાલ અનિલ
ગઝલ
તારા હતા વિચાર ને તારું મનન હતું.
ગઇ કાલની છે વાત કે મારેય મન હતું.
એવા હતા દિવસ કે હતો માત્ર અંધકાર,
સૂરજ નહીં,ને ચન્દ્ર નહીં બસ ગગન હતું.
જળમાં ડૂબેલ જળ કદી પરખી શકાય ના,
માની લીધું કે મ્હેકમાં મારું ચમન હતું.
કાસદ બન્યો જણાય છે અંગારીઓ પવન,
મારા હૃદય સિવાય વળી કયાં દહન હતું.
કિસ્મતનાં તારલાતો હતા માનવીને, પણ,
ચમકનાવનાર એમને તારું ગગન હતું.
રેતીના પટ ઉપર પડી છે ભાત ફાંકડી,
અસ્થિર શુષ્કતા યે એક સાંત્વન હતું.
કોઇ દિશા મળીજ નહીં એનો ગમ નથી,
તરણાંને ક્યાં દિશા હતી?ફકત વહન હતું !
મારી તરસને ઝાંઝવાં પી ગયા ‘અનિલ’ ,
એવી મળી મીઠાશ કે રણ પણ મગન હતું.
ભાવિ કબરની ધૂળ વિના કંઇ નથી ‘અનિલ’
તમને થશે વાહ વાહ ,આ પણ જીવન હતું !

good
By: Mukund ''MADAD'' on May 8, 2008
at 6:06 pm