ઓ ખુદા_ દીપક બારડોલીકર
નઝમ(હમ્દ_સ્તુતિ સ્વરૂપે)
ઓ ખુદા,મારા ખુદા !
પૂર્વને પશ્ચિમનો માલિક તું જ છે
સર્વ સૃષ્ટિઓનો ખાલિક તું જ છે
સર્વ મોટાઇનો ધારક તું જ છે
બંદગીને એક લાયક તું જ છે
ઓ ખુદા,મારા ખુદા !
તારી મરજીથી બધી રોનક, રતાશ
તું જ બેશક છે ઉજાશોનો ઉજાશ
તું જ સાચો શ્રેષ્ઠ પાલનહાર છે
જીવ ને નિર્જિવનો આધાર છે
ઓ ખુદા,મારા ખુદા !
સ્પર્શ તારો પૂણ્ય ભરચક જામમાં
સ્મિત તારૂં સર્વ શુભ અંજામમાં
ઇષ્ટ તારો રંગ સર્વે રંગથી
શ્રેષ્ઠ તુજ સબંધ સૌ સબંધથી
ઓ ખુદા,મારા ખુદા !
સૃષ્ટિઓની ચાવી તારા હાથમાં
શ્રેષ્ઠમ છે શાહી તારા હાથમાં
ઇલ્મનો ગરવો ધણી બસ તું જ છે
માર્ગ દર્શક રોશની બસ તું જ છે
ઓ ખુદા,મારા ખુદા !
ન્યાયનાં દિવસતો તું એકજ ધણી
તારી સત્તાઓ સતત સર્વો પરી
બદલો દેશે તું રજે રજનો જરૂર
જાલિમોતો ખાખમાં ભળશે જરૂર
ઓ ખુદા,મારા ખુદા !
તુંજછે બસ તુંજ ખ્વાબો ખ્યાલમાં
મે’ક ભીના મારા અંતર બાગમાં
શ્વાસે શ્વાસે તુજને મળવાની તડપ
તુજ અનુપ ઓજસમાં ભળવાની તડપ
ઓ ખુદા,મારા ખુદા !
માન્ચેસ્ટર રોયલ ઇંફરમરી
ઑગાષ્ટ ‘94
(‘સિરાતે હરમ’_16 ના સૌજન્યથી)
