Posted by: bazmewafa | April 27, 2008

જવાની જઇ રહી છે__ સૈફ પાલનપુરી

જવાની જઇ રહી છે__ સૈફ પાલનપુરી

 

 

 

 નઝમ

 

દિશાઓ ઉંચી નીચી થઇ રહી છે

વસંતો પણ બલાઓ લઇ રહી છે

શિખામણ એને પહેરો દૈ રહી છે

સખીઓ કંઇ પરસ્પર કહી રહી છે

          લૂંટાએલી સવારી જઇ રહી છે.

          જુઓ મારી જવાની જઇ રહી છે.

 

નજર ગભરાયેલી ખોવાયેલી છે

નશીલી રાત પણ શરમાએલી છે

અજબ બેચેનીઓ સર્જાએલી છે

સમયની ચાલ પણ બદલાએલી છે

          તમન્ના સ્વાસ છેલ્લા લઇ રહી છે

           જુઓ મારી જવાની જઇ રહી છે.

 

હવે કયાં હોઠ પર લહેરાય ગીતો

અમસ્તાં કયાં હવે વેરાય સ્મિતો

હવે વ્યહવાર આવ્યો છે ને રીતો

હવે નોખા હિસાબો ને ગણિતો

          પળોપળની ગણતરી થઇ રહી છે

           જુઓ મારી જવાની જઇ રહી છે.

 

જગત કેછે કે સાંભળવું પડે છે

ન ગમતા લોકોને મળવું પડે છે

નિરસ મહેફિલમાં ગણગણવું પડે છે

હવે મુર્ખાઇ પર હસવું પડે છે

           સમજદારીની ચર્ચા થઇ રહી છે

           જુઓ મારી જવાની જઇ રહી છે

 

હવે મકસદ વિનાના હેરા ફેરા

પરખ કયાં રંગ આછા છે કે ઘેરા

હવે શું ? હોય જો દ્રશ્ય અનેરા

અજાન્યા લાગેછે રૂપાળા ચહેરા

          હવે આંખો અમસ્તી થઇ રહી છે

           જુઓ મારી જવાની જઇ રહી છે

 

હવે ક્યાં નર્તિકાની તાલ પ્યારા

હવે ક્યાં પત્ર લખવાના ધખારા

હવે કયાં ઓઢણીનાં રંગ ન્યારા

હવે ક્યાં છે ઝરૂખાના સહારા

            કવિતા કેવી બદાલ લઇ રહી છે

             જુઓ મારી જવાની જઇ રહી છે

 

 

ફરીથી રંગ કંઇ પરખાઇ આવે

અસલ જે જોમ છે છલકાઇ આવે

વિતેલા દિવસો ખેંચાઇ આવે

તમે આવો તો સરખાઇ આવે

        બહુ ગેર હાજરી વર્તાઇ રહી છે

જુઓ મારી જવાની જઇ રહી છે

 

              

(એ જ ઝરૂખો એજ હિંચકો_159)

 

Leave a response

Your response:

Categories