રોજ એવું થાય,એવું થાય કે…
રોજ એવું થાય,એવું થાય કે..
આ ખંડમાં બારીના સળિયાઓની પેલી પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સુઘું
પ્રિયાના આશ્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજ્જાળુ ઉચ્છ્વવાસો સમી
કઇં ઘાસની વિશ્ર ભમર્મર સાવ પાંસે પી લઉં આકંદ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઢાળ પરથી દડુંદડું
કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વિટળાઉં
રોમોરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝોડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઉડેલી દેવ ચકલી શો હવામાં ફરફરું..
ફરફરું બસ ફરફરું.
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઉગે તોય
મારા નીડમા
કયારેય ના પાછો ફરું
_રમેશ પારેખ
(કયાં_પૃ.95)
