બોલી દે_ આદિલ મન્સૂરી
મોત માથે ભમે છે બોલી દે.
સૂર્ય પણ આથમે છે બોલી દે.
નામ કોનું હૃદયમાં ધબકે આ,
કોન મનમાં રમે છે બોલી દે.
શૂન્યતાના અનંત એકાંતે,
કોણ કોને ગમે છે બોલી દે.
સાત આકાશનીયે પેલી પાર,
કેમ માથું નમે છે બોલી દે.
રોજ અંધારી ભાંગતી રાતે,
અભથી શું ઝમે છે બોલી દે.
આશું છલકે તૃષાર બિંદુમાં,
સાગરે શું શમે છે બોલી દે.
કેમ ગર્જી રહ્યા છે બારે મેઘ ,
ધરતી શીદ ધમ ધમે છે બોલી દે.
કેમ ચાંદો વધે ઘટે નિશદિન,
તારા શીદ ટમ ટમે છે બોલી દે.
કે પછી કોઇ પણ નથી ‘આદિલ’
’આપણે’ ‘હું’ ‘તમે’ છે બોલી દે.
Categories:
Tags: બોલી દે_ આદિલ મન્સૂરી
