Posted by: bazmewafa | April 6, 2008

અંતિમ ઈચ્છા_ જય ગજજર, C.M.,M.A.

અંતિમ ઈચ્છા_ જય ગજજર, C.M.,M.A.

સાબરમતીને આરે રામજી મંદિરના પાછળના ભાગમાં આવેલ શેડમાં દર રવિવારે દશ સીનિયર્સ છેલ્લાં દશવર્ષથી નિયમિત
મળતાં હતાં. એકાદ કલાક સૌ જુદી જુદી જોક્સ કહી હાસ્યની છોળો ઉડાડી હસતાં હસતાં ‘રામ રામ’ કહી છૂટા પડતા. દશ વર્ષનો એ ક્રમ કોઇએ તોડ્યો નહોતો. બહારગામ જવાનું થાય ત્યારે આગલા રવિવારે સૌને જાણ કરી દેતાં જેથી કોઈ ચિંતા ન કરે.
શરૂમાં ચારપાંચ વડીલો ચાલવા આવતા. અર્ધો કલાક ચાલી એકાદ કલાક અહીં ગામગપાટા મારી છૂટાં પડતાં. ધીરે ધીરે
એમાં વધારો થતાં દશ જણે એ ક્રમ જાળવ્યો હતો. એમાં છ ભાઈઓ હતા અને ચાર બહેનો હતી. દશ જણ એક જ કુટુંબના સભ્યો હોય
એમ પરસ્પર આત્મીયતા બંધાઇ જતાં એમણે એ ગ્રુપને નામ આપ્યું, ‘હાસ્ય વર્તુળ’. હસતાં હસતાં દશ વર્ષનાં વહાણાં વાઈ ગયાં.
નિયમિત હસતા રહેતાં સૌનું સ્વાસ્થ્ય સારું જળવાતું. દશ વર્ષ દરમિયાન કોઈ બિમાર નહોતું પડ્યું એનો સૌને આનંદ અને ગર્વ હતો.
માંદગીને કારણે કોઈનો ક્રમ તૂટ્યો નહોતો.
છેલ્લા કેટલાક રવિવારથી એક ચર્ચા બહુ ઉગ્ર બની હતી. કેટલાકનો મત એવો હતો કે મંડળે કોઇ જગા ખરીદી એક સારો નાનો
હૉલ બનાવવો અને ત્યાં મળવાનું રાખવું. કમળાબહેન અને બીજાં ત્રણચાર જણ એના વિરોધમાં હતાં. કમળાબહેન કહેતારહ્યાં,
“મકાન બનાવવું સહેલું છે. પણ આપણો હૉલ બનતાં ઘણી ઝંઝટ ઊભી થશે અને આપણી વચ્ચે જે પ્રેમ અને સદભાવ છે એ નહિ રહે.”
આ ચર્ચાએ દશ વર્ષના શાંત વાતાવરણમાં આંધી સર્જી હતી.
એ દરમ્યાન સળંગ બે રવિવારથી કમળાબેન આવતાં બંધ થયાં. એટલે સૌને ચિંતા થવા લાગી અને અનેક અટકળો કરવા
લાગ્યાં. આમ તો કોઈ કદી એકબીજાના અંગત જીવનમાં માથું નહોતું મારતાં. એકવાર સામેથી એમણે સરલાબહેનને એમને ઘેર બોલાવેલાં અને વાતવાતમાં કહેલું, “મારા પતિ દશેક વર્ષ પહેલાં ગુજરી ગયા પણ એમના પેન્સનની સારી રકમ મળતાં ગુજરાન ચાલેછે. ઘરનું ઘર છે અને કુટુંબમાં કોઈ નથી એટલે કશી ચિંતા નથી.”
ચોથા રવિવારે પણ કમળાબહેનને ન જોતાં સૌને ચિંતિત જોઈ સરલાબહેન બોલ્યાં, “કમળાબહેન માંદા તો નહિ પડ્યાં હોય?”
એ સાંભળી રાવજીભાઈએ પૂછયું, “તમે એમનું ઘર જોયું છે?”
“હા, એક વાર મને પરાણે એમને ઘેર ચા પીવા લઈ ગયાં હતાં.”
“આજે વહેલા નીકળી આપણે સૌ એમની ખબર કાઢવા જઈશું.”
એ નિર્ણય કરી સૌ રોજની પ્રવૃત્તિમાં લીન બની એક પછી એક જોક કહેવા લાગ્યાં. દૂર એક અજાણી વ્યકિત કાળા સૂટમાં ઊભારહી હાસ્યની એ છોળો માણી રહી હતી. જોકસ પૂરી થતાં નજીક આવી એણે કહ્યું, “તમારા બધાની જોક્સ સાંભળી હું જિંદગીભર નહસ્યો હોઉં એટલું હસ્યો છું. બસ આમ હસતા અને હસાવતા રહેજો. હાસ્ય એજ સારી તંદુરસ્તીની ચાવી છે.”
અને સહેજ થંભીને ઉમેર્યું, “હું વકીલ છું. તમારી મીઠી જોક્સ સાંભળવા નથી આવ્યો. એક દુઃખદ અને એક સુખદ સમાચાર
આપવા આવ્યો છું. તમારામાંના એક કમળાબહેનનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે. એમની પાછળ કોઇ વારસદાર ન હોવાથીએમની બધી મિલકત અને ચારેક લાખ રોકડા તમારા મંડળને દાન કરવાનું વીલ કરી ગયાં છે.”
એક સારા અને એક માઠા સમાચાર સાંભળી સૌ આશ્વર્યમાં મૂકાઈ ગયાં. સૌએ એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવવ્યું.
વકીલને શો જવાબ આપવો એ કોઇને કંઇ સૂઝયું નહિ. વાતાવરણ ગંભીર બની રહેતાં, રાવજીભાઈ બોલ્યા, “આપણા મંડળને હૉલનીજરૂર છે. એ વાતનો વિરોધ કરનાર કમળાબહેનને જીવનની અંતિમ પળોમાં એની જરૂરિયાત સમજાઈ છે એ આપણું અહોભાગ્ય છે.
છેલ્લા કેટલાક રવિવારથી એ વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતાં આપણે એમની અંતિમ ઈચ્છાને માન આપવું જોઈએ.”
એ સાંભળી શામજીભાઈએ વકીલને પૂછ્યું, “ઘર વેચી દઈએ તો બધું થઈને કેટલી રકમ થાય?”
“સત્તરેક લાખ થાય..”
“આજના પેપરમાં સમાચાર છે કે વીશ લાખ તાત્કાલિક નહિ મળે તો શહેરના વર્ષો જૂના અનાથાશ્રમના દરવાજા સદાને માટે
બંધ થઇ જશે. એ સત્તર લાખ અને આવતા અઠવાડિયે મારા પેન્સનના ત્રણ લાખ આવવાના છે તો વીશ લાખ એ અનાથાશ્રમનેદાનમાં આપી દઈએ તો?”
“એના જેવું બીજું કોઇ ઉત્તમ સત્કાર્ય નથી. વિચાર ઘણો સારો છે. સૌ સંમત છે?” રાવજીભાઈએ સૌની સામે નજર ફેરવી પૂછયું.
“હા.. હા..” સૌની સંમતિ સાંભળી વકીલ આશ્વર્ય મૂઢ બની ખુશથયા.

Jay Gajjar, P.O. Box 2096, square one Po.,Mississauga, Ontario.Canada L5B 3C6
Tel.(905) 568_8025 Fax(905)712-1130 Email:gajjar@mail.com

Responses

good story

બહુ જ સરસ અને પ્રેરણાદાયી અંત.
આ સત્યકથા છે?
આ જગ્યાની બહુ નજીક હું પચીસ વરસ રહેલો છું ! પણ આ વાતની ખબર ન હતી.

પ્રિય જયભાઇ,
અંતિમ ઇચ્છાની ભાવ સભર વાર્તા વાંચી. ગમી.
આ વખતે આપણે ગાંધીનગરમાં મળી શકાયું નહિ એનો વસવસો
રહી ગયો.
કુશળ હશો.

દિગંબરભાઇ.

Leave a response

Your response:

Categories