Posted by: bazmewafa | March 18, 2008

લૂંટો હજી_ શ્રી ચેતન ફ્રેમવાલા

gandhi4.jpg

શ્રી ચેતન ફ્રેમવાલાના વ્યંગ કાવ્યો.

૨ જી ઑક્ટોબર

લૂંટો હજી,
છે ઘડીયાળ,ચશ્મા ને છે લાકડી,
ને બીજું આ વસ્ત્ર રહ્યું છે બાકી,
લૂંટો હજી , એને લૂંટો હજી…………

લૂંટો હજી,
આ મૂઠ્ઠીભર હાડકામાં રહી ગયેલી ચેતનાઓ,
એ આત્માને ,જેણે સહી છે ઘણી વેદનાઓ.
લૂંટો હજી એને લૂંટો હજી…………..

લૂંટો હજી,
કે નામ એનું છે હજીયે ઊપયોગી,
અવમુલ્યન પહેલાં જલ્દી લ્યો ભોગી.
લૂંટો હજી એને લૂંટો હજી……………

લૂંટો હજી,
છે ઘણી એના આદર્શોની ચોપડીઓ,
આદર્શો વેંચી ભેગી કરી લો થોકડીઓ.
લૂંટો હજી એને લૂંટો હજી……………

લૂંટો હજી,
રાજઘાટ પર ધરી થોડી પુષ્પાંજલી,
સત્તા-ગાદી પર પાથરી થોડી ખાદી,
તાંતણે તાંતણે ચેતન લૂંટો હજી,
લુંટો હજી એને લૂટો હજી…………….

૨જી ઑક્ટોબર ૧૯૮૧

બે મુક્તક

છો સ્પંજ કેરું બેડ છે તોય પણ,
લેવી પડે છે ઊંઘ ની ગોળી મને.
ને ફૂટપાથી પત્થરોની સેજ પર,
જો કેટલો આરામથી ચેતન સુવે.

માર્ચ-વેરો

આ માર્ચ મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડા મળતા’તા,
એ મીંડા કાઢી નાખે છે.

_શ્રી ચેતન ફ્રેમવાલા

હઝલ_15

શ્રીચેતન ફ્રેમવાલાના ગુજરાતી બ્લોગ’ગુજરાતી કવિતાના’ સૌજન્યથી.

Leave a response

Your response:

Categories