અંધાર પણ નથી
ઊંઘી શકુ હું એટલો અંધાર પણ નથી
ખોવાઈ જાઉં એટલો વિસ્તાર પણ નથી.
જેને કહું અસાર એવો સાર પણ નથી.
ખોટાખરાનો કંઈ આધાર પણ નથી.
ચાહી શકાય કોઈને એ પ્યાર પણ નથી.
દુશ્મન કહી શકાય એ ધિકકાર પણ નથી.
આ શૂન્યતા સિવાય કયાં સંઘષૅ છે બીજો
મારા વિના મુજને કશો પડકાર નથી.
ચાલીને જાઉં કયાં ને રહું તો રહીશ કયાં
મારે તો કોઈ માગૅ કે ઘરબાર પણ નથી.
ડૂબી શકાય એટલું પાણી નથી. અહીં.
ખૂંપી જવાને રેતનો અંબાર પણ નથી.
અંધાર ને અજવાસની વચ્ચે જીવી રહ્યો
વૈકુંઠ પણ નથી. અને સંસાર પણ નથી.
અસ્તિત્વમાં રહી ગયો અસ્તિત્વનો અભાવ
શંકાય થાય શી રીતે ઈતબાર પણ નથી.
ઝાકળ ને સૂયૅનું અરે આવું મિલન ‘અનિલ’
આ તો બરફ નથી. અને અંગાર પણ નથી.
આપના પ્રતિભાવ