ગાલિબકા અંદાઝે બયાં 1 _ અશગર વાસણવાલા
યે લાશે બે કફન ‘અસદે’ ખસ્તા જાં કી હૈ,
હક મગફિરત કરે અજબ આઝાદ મર્દ થા.
લાશે બેકફન=કફન વગરની લાશ, ખસ્તા=જખ્મી,બદહાલ જાં=જીવ ‘અસદ’=ગાલિબનું મૂળ નામ હક=અંતિમ સત્ય,અલ્લાહ,ભગવાન મગફિરત=ક્ષમા
ગાલિબ પોતાની ગઝલોમાં આઝાદીને ઘણુંજ મહત્વ આપે છે.આ શેરમાં ગાલિબ પોતાની કફન વગરની ઘાયલ અને બદહાલ લાશને રસ્તા પર પડેલી જોઇ અફસોસ નથી કરતો,પણ કહે છે કે આ માણસ કેટલી આઝાદ તબિયતનો હતો!જીવનમાં તો તે રીત રિવાજોથી મુકત રહ્યો,અને મર્યા પછી પણ એ કફનનાં બંધન ને કબરની ભીંસથી મુકત ને આઝાદ છે.
ગાલિબ પોતાને ખસ્તા_જાં(જખ્મી જીવ) કહે છે,કારણકે જે લોકો આઝાદીથી જીવવા ચાહે છે,તેને દુનિયા બહુ સતાવે છે.ગાલિબ આ લાશ જોઇને દૂઆ અને પ્રાથના કરે છે કે અંતિમ સત્ય ,અલ્લાહ(ભગવાન)આ જીવને મોક્ષ આપે.ગાલિબ એમ નથી કહેતો કે આ માણસ ‘અસદે’પૂણ્યનાં કામો કર્યા છે,તે માટે તેને મોક્ષ મળે.તે તો એમ માને છે કે,સહુથી મહત્વનું પૂણ્યનું કામ તો ગુલામીથી મુકત રહેવાનું છે.ભલે પછી તે કબર કે કફનની ઘુંસરી હોય.પણ અફસોસ જેમ Jean Jacques Rousseauએ કહ્યું છે ‘Man is born free, but every one found in chains”ધાર્મિક ને સામાજિક રિવાજોની પકડ ,ધર્મ ગુરુઓની ઘુંસરી, અને super powerની ચુંગાલમાં થી ઈન્સન ક્યારે આઝાદ થશે.
જ્યારે હું આઝાદી માટે મરી ફીટેલા લોકોની બોંબ ને ટેંકથી પાયમાલ થયેલી કફન ને કબર વગરની લાશો ને ફલુજા કે પેલેસ્ટાઈન ની સડકો પર જોઉં છું ત્યારે મને આ શેર યાદ આવે છે.કરબલાના મેદાન કે 1857ની આઝાદીનાં લડવૈયાઓની તબાહ થયેલી લાશોનું ધ્યાન આવે છે.ત્યારે પણ આ શેર મગજમા ઉભરાઈ આવે છે. બે કફન લાશને આઝાદીનું પ્રતીક કહેવું એ ચમત્કાર તો ગાલિબજ કરી શકે. આ શેરના બધા શબ્દો : લાશ,બે કફન,જખ્મી જીવ,અંતિમ સત્ય,અને મોક્ષ,મૃત્યુથી સબંધ રાખે છે.
આ બે નમૂન શે’ર આકાશની ઉંચાઈથી ટક્કર લે છે.
