10 મુકતકો _ શ્રી રતિલાલ’અનિલ’
હું અનિલ છું__
ભોમભીતર લઈ જશો તો ત્યાં જશે મુજ ખોળિયું,
આ જગત અવકાશમાં હું તે છતાં તરતો રહીશ.
એમની ‘પ્રજ્ઞા’ વિશે હું શું કહું ?
કો’ મહાસાગરને તળિયે પ્હાણ ભેગો ફેંકશો_
પાણીનાં થર વિંધીનેયે શ્વાસ ઉપર આવશે!
હું ‘અનિલ’ છું ક્યાં મને દફનાવશો ?
1
સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો.
કે ‘સ્થિતિમાં મારી રહી છે ગતિ’.
નથી હું મર્યો કે નથી અવતર્યો.
2
આશાના બજારે જઇ જન્નતની છબી જોઇ,
વાસ્તવને ફગાવીને નકશાઓ ખરીદું છું.
સૂરજનો મુલક છોડી દોડું છું તિમિર લોકે,
આંખોના રતન વેચી સ્વપ્નાઓ ખરીદું છું.
3
ઋતુ ઋતુએ ધરે છે નવી નવી આશા,
મરી જો જાય છે તો નિત્ય આશ બદલે છે.
તરંગી માનવીના આ હૃદયને શું કહેવું?
કબર તો એજ રહે છે લાશ બદલે છે.
4
રાતનું રૂપ સમેટાઈ ગયું થોડામાં
સ્મૃતિએ એને વળી ‘પૂર્વનો અજવાસ, કહ્યો.
ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ એ,
એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો.
5
દુ:ખીતો છું દુ:ખી દેખાઉં તો લોકો તને નિંદે!
અને તેથી હસી લઇ ને જગત ને છેતેરી લઉં છું.
દુ:ખી બદલે મને પાગલ નિહાળી ખુશ થવું તારે,
હું મારો વેશ બદલીને તને તો જાળવી લઉં છું.
6
કોઇ ભૂમિ વિશે જવું પડશે,
ઘર નવું એક શોધવું પડશે.
ક્યાં સુધી સાથ રે’શે પડછયો?
આખરે તો જુદા થવું પડશે.
7
રાતનાં થીજી ગયેલા મૌનમાં,
ઓરડે દીવો કરીને હું ફરું.
જીવ મુંઝાઈ મરેછે આમ તો,
મારી છાયા સાથ હું વાતો કરું.
8
પાદરનું સૂનું ધામ તને યાદ તો હશે,
એ સાંજનો મુકામ તને યાદ તો હશે,
કે પેમનો પ્રદેશ એ ગોકુલ બની જશે,
ને પાત્ર રાધે શ્યામ, તને યાદ તો હશે,
9
આવ્યાં છે જીવન રાહે મિત્રો, તો ભલે જઈશું.
કંઈ એવું નથી મારે સંઘાત બદલવા છે.
જો આપી શકો તો કોઇ દર્દ નવું આપો,
સાથીઓ નહિ મારે આઘાત બદલવા છે.
10
અમે જાતે એવી શિક્ષા કરી છે .
જીવનભર તમારી પ્રતીક્ષા કરી છે.
રહે આંખ સામે સદા પંથ સૂનો,
છતાં પારદર્શક નિરીક્ષા કરી છે.
*
શે’ર
હોય ફળ કે પાંદડા તો એ જુદી વત છે,
વૃક્ષ પરથી પાનખરને કોણ ઝંઝોડી શકે.
Good One
By: Ketan Shah on 09/24/2007
at 9:49 AM