નજર ઘેઘૂર રાખી છે _ અમૃત ‘ઘાયલ’
જિગર તરબોળ રાખ્યું છે,નજર ઘેઘૂર રાખી છે.
જવાનીને મહોબ્બતનાં નશામાં ચૂર રાખી છે.
કે રાખી છે અમે આબાદ બદસ્તૂર રાખી છે,
મહોબ્બતને અદાવતથી હમેશા દૂર રાખી છે.
હતી મુખ્તાર તોયે ને મને મજબૂર રાખી છે,
સમયની પણ ઘણીયે માંગણી મંજૂર રાખી છે,
ઘણીયે વાર પટકાય પડ્યાં છીએં જીવન પંથે,
પરંતુ બંધ મુઠ્ઠીને ભરમ ભરપૂર રાખી છે.
નથી હીણી થવા દીધી કદી એને જુદાઈમાં,
હતી બે નૂર તોયે આંખને ચકચૂર રાખી છે.
નથી કૈં યાદ ક્યારે આપલે આવી કરી બેઠા,
સમજ સાટે અમે સૌ પીડા ગાંડી તૂર રાખી છે.
અમે તો જીવતા જીવે મઝા માણી છે જન્નત ની,
ખુદાને પણ ગમે એવી હૃદયમાં હૂર રાખી છે.
બની ગઈ છે અટારી બાવરી આરત નિહાળી ને,
અમે આ આંખ ફાટેલ એ હદે આતૂર રાખી છે.
ગઝલ એકાદ તો વાંચી જુઓ એકાંતમાં ‘ઘાયલ’
અમે એ આહમાં શીરાઝની અંગુર રાખી છે.
આપના પ્રતિભાવ