Posted by: bazmewafa | May 8, 2007

બાદશાહ ઔરંગઝેબના સાચા વ્યક્તિત્વની તલાશ_ હરિદેસાઈ

બાદશાહ ઔરંગઝેબના સાચા વ્યક્તિત્વની તલાશ.     

               હરિદેસાઈ   

                  .   ભાગ:2( કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ )

વિરોધાભાસી પગલાં

ઔરંગઝેબે વડનગરનાં હાટકેશ્વર માહાદેવના મંદિરથી લઈને દ્વારકાના જગતમંદિર ઉપરાંત સોમનાથ મંદિર અને કાશીવિશ્વનાથ મંદિરને તોડી પાડવાનાં ફરમાન કર્યા જરૂર,પણ પ્રત્યેકની પાછળ કહાણી અવ્શ્ય હોવી જોઈએ.જેમકે દ્વારકાના મુઘલ થાણા પર લોકોએ હુમલો કરીને થાણેદારને મારી નાંખ્યા પછી ઔરંગઝેબે દ્વારકાના મંદિરને તોડી પાડવાનો હુકમ આપ્યાનું ,મુઘલકાલ,ના પૂષ્ઠ 85 પર નોંધાયું છે.રાજપૂત અને હિંદુ સરદારો ઔરંગઝેબની સામે થયા ત્યારે એણે કટ્ટર મુસ્લિમ શાસક તરીકે પોતાની જાતને પેશ કરીને તમામા મુસ્લિમોને પોતાના સમર્થનમાં લેવાની રાજકીય વિવશતાને અનુસરવાનું પસંદ કર્યાનું પણ ઈતિહાસે નોંધાયું છે.         જે ઔરંગઝેબે મંદિરો તોડાવ્યાં ,એજ ઔરંઝેબે અનેક ઠેકાણે હિંદુ મંદિરો બાંધવા ,સમારકામ કરાવવા કે આત્મનિર્ભર કરવા માટે આર્થિક સહાય કરી છે.એટલુંજ નહીં ,જાગીરો પણ આપી છે..ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદની શોધન પત્રિકા ઈતિહાસ(જાન્યુઆરી 1992)માં સતીશચન્દ્રના ઔરંગઝેબ કે શાસન કે ઉત્તરાર્ધમેં ઉસકી ધર્મ નિતિ કુછ વિચાર નામક શોધ લેખમાં આવા ફરમાનોની વિગતો આપી છે.

જજિયાવેરો અને મુક્તિ:      

 ખલનાયક ગણાતા ઔરંગઝેબે પોતાના વહીવટી અને આર્થિક  આવષ્યકતાના ભાગ રૂપે જજિયાવેરો અમલમાં લાવવાનું પસંદ કર્યું એ વત સાચી ,પણ મરાઠા શાસકો પણ ચોથ ઉઘરાવતા હતા એ વાતને કેમ વિસારે પડાય? ઔરંગઝેબના જજિયાવેરા સામે પ્રજાના સામુહિક વિરોધનો કોઇ કિસ્સો નોંધાયો નથી.જોકે ગંગા કે અન્ય તિર્થોમાં નહાવાવાળાઓ કે મદડાનાં અસ્થિ ગંગામાં વહાવવા લઈ જનારા હિંદુ પાંસેથી કોઇ જાતનો કર લેવામાં આવતો નહોતો.જીવન જરુરી  એવી 54 ચીજ વસ્તુઓ માટે ઔરંગઝેબે 1673માં મહેસુલ મુક્તિ જાહેર કરી હતી.ખુદ જદુનાથ સરકારે મુઘલ એડમેનીસ્ટ્રેશનમાં નોંધ્યું છે કે શાહજહાં અને ઓરંગઝેબના સમયમાં કોઈ પણ સૂબેદાર જબરદસ્તીથી નાણા વસુલવાની કે પ્રજાને કનડગત કરતો હોવાની ફરિયાદ બાદશાહનાં કાને પડે તો રાજના લાગતા વળગતા કર્મચારી કે સૂબેદારની હકાલપટ્ટી થતી.જો કે ઔરંઝેબના કાળમાં કયારેક બાદશાહનાં આદેશ પળાતા નહોતા.(પૂ.10 8)     મનસુખલાલ પોટા નોંધે છે: ઔરંગઝેબે હિંદુઓને પોતાના દરબારમાં નોકરીઓ આપી હતી એટલુંજ નહીં ,હાથી,ઘોડા, ગાયો,તથા જમીન અને ગામોનાં ઈનામ પણ આપ્યાં હતાં.સતીદાસ સાથે બાદશાહે ગુજરાતના લોકો ઉપર ફરમાન મોકલ્યું હતું;અને તેમાં હિંદુ તથા મુસલમાનને એકસરખા ગણવાનો હુકમ કરેલો હતો.જજિયાવેરો લશ્કરમાં જોડાનારા હિંદુએ ચૂકવાવો પડતો નહોતો. જજિયાવેરો વધુમાં વધુ 20 રૂપિયા હતો.મધ્યમ અને કનિષ્ઠ વર્ગનાં માટે અનુક્રમે 6 રૂપિયા 3 રૂપિયા હતો.લશ્કરી નોકરી સાધુબાવા ,બ્રાહ્મણો,વીસ વરસથી નાની ઉમરના અને પચાસ વર્ષથી વધુ વયનાં,સ્ત્રીઓ,અપંગ,માંદાઓ વગેરેને કરમાંથી મુક્તિ હતી.આ કર આપવા માટે હિંદુ પ્રજા નારાજ હોય એવો એક પણ દાખલો નથી.(ઔરંગઝેબ 1920)હિંદુદ્રેષી લેખાતો બાદશાહ ઔરંગઝેબ હમેશા ગંગા નદીનુંજ પાણી પીતો.અને યુરોપનાં ષ્રેષ્ઠ દારૂ કરતાં ગંગા જળને વિશેષ ચાહતો.ઊંટો પર ગંગા જળ મંગાવવાની તેના માટે ખાસ વ્યવસ્થા તેના માટે યુધ્ધનાં દિવસોમાં પણ રહેતી.     કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન બંધ કરાવવા ના પક્ષધર ઔરંગઝેબે ભાંગના છોડોનું વાવેતર બંધ કરાવવા માટેનું ફરમાન ગુજરાતનાં દીવાન રહમતખાન પર મોકલ્યું હતું.વળી 20 નવેંબર 1665નાંફરમાન અન્વયે અસંખ્યાબંધ ગેર કાનૂની અને પ્રજા વિરોધી વેરાને એણે નાબૂદી કરી હતી.પ્રજાનાં સામાજિક અને ધાર્મિક ઉત્સવો સામે મનાઈ ફરમાવવાના એના હુકમ સામે  ઊહાપોહ મચવો સ્વભાવિક હતો.પણ બાદશાહનાં પોતાના તર્ક રહેતા.પાંચમ ,અમાસ,અને એકાદશીએ દુકાનો બંધ રહેતાં પ્રજાને અગવડ પડતી હોવાથી તેણી બધો વખત દુકાનો ખુલ્લી રાખવા ફરમાવ્યું હતું.(મોઘલ કાળ:ભો.જે.વિદ્યમાન).

શાંતિદાસ ઝવેરી ને જૈન તીર્થો. 

   જે ઔરંગઝેબે કયારેક સરસપુરના મંદિરને તોડાવીને મસ્જિદમાં ફેરવી નાંખવાનો હુકમ આપ્યો હતો, એજ આલમગીર 1660નાં ફરમન થકી જૈન શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય,ગિરનાર અને આબુના જૈનતિર્થોની સોંપણી ,જૈનસંઘ પ્રતિનિધી તરીકે ,તેમને કરેછે.બાદશાહ ફરમાવે છે કે આ પ્રદેશમાં કોઇ માંડલિક રાજાઓ  શાંતિદાસના કાર્યોમાં હરકતો ઉભી કરશે તો તેઓ રાજ દંડને પાત્ર થશે.ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના સાશનમાં  આવું મહત્વનું ફરમાન નીકળ્યુંએ રાજ કારોબારમાં શાંતિદાસનો જે પ્રભાવ હતો તેનું સુચક હોવાનું પણ નોંધાયું છે.હિંદુઓની જેમજ પારસીઓ પર પણ જજિયાવેરો લાદવામાં આવ્યો હતો.પણ સુરતનાં દાનવીર રુસ્તમ માણેકે બાદશાહ સમક્ષ રજૂઆત કરી એટલે 10 ઓગસ્ટ 1658ના ફરમાનથી પારસીઓ પરનો જજિયા વેરો રદ કરાયો હતો.

વડનગર_ સુરતની લૂંટો

ઔરંગઝેબના સમયમાં સુવર્ણ નગરીતરીકે લેખાતાં વડનગર તથા વિસલનગર(વીસનગર)ને મેવાડનાં રાણાનાં યુવરાજ ભીમસિંહે લૂંટવા અને વિનાશ સર્જવાનું કર્તુત વેર વાળવા કર્યાનું ઇતિહાસે નોંધાયું છે.એવાજ સમૃધ્ધ નગર સુરતને બબ્બે વાર (1664અને1670) શિવાજીએ લૂંટયું એટલુંજ નહીં ,હિંદુ_ મુસ્લિમ લોકોની કત્લેઆમ ચલાવવામાં કોઇ મણા રાખી નહીં હોવાનું શિવકાલીન _પત્રસારસંગ્રહ (હોલકલ સરકાર પુસ્તક માલા:પ્રકાશક :રાયગડ સ્મારક મંડળ આણિ ભારત ઇતિહાસ સંશોધક મંડળના મંત્રીઓ ન.ચિ.કેલકરાને દત્તાત્રેય વિષ્ણુ આપ્ટે,વર્ષ1930)માં નોંધાયું છે.અહીં પ્રશ્ન ઉઠેછે કે  ફાધર એમબ્રોસની વિનવણીથી શિવાજીએ ખ્રીસ્તીઓનું કેમ રક્ષણ કર્યું?દર વર્ષે મરાઠી સૈનિકો ગુજરાતનાં વડનગરમાં ધાડ પાડવા ઉતરી આવતા હતા.અઢારમાં સૈકામાં આવા સૈનિકો માટે અરબી શબ્દ ગનીમ(ધાડપાડુ)પ્રચલ્લિત થયાનું મુઘલકલ( પુષ્ઠ : 245)માં નોંધાયું છે.મિરાતે અહમદીપણ ઉમરેઠ અને વડનગર કસ્બાને ગુજરાતની બે સોનાની પાંખો ગણાવે છે.કારણ એ વેળા ત્યાં ધનિક બ્રાહ્મણો વસતા હતા.ઔરંગઝેબનાં શાસન તળેનાં આ સુવર્ણ નગરોને લુંટવા કયારેક મેવડનાં રાણાના વંશજ તો કયારેક વળી મરાઠા સૈનિકો ચડી આવત હતા.તેઓ હિંદુ ધર્મી હતા એ વાતનું સ્મરણ કરવવાની જરુરત ખરી?            ખુદ શિવાજી મહારાજે ઔરંઝેબની સેવામાં રહીને મુઘલ સેનાને પક્ષે રહી લડવાનું પસંદ કર્યું  હોવાની વાત આજે ભાગ્યેજ કોઇને ગળે ઉતરે.પણ શિવશાહી ચા શોધ(પરિચુરે પ્રકાશન:1997)માં વસંત કાનેટકર નોંધે છે: યુધ્ધશાસ્ત્રમાં શિવાજી રાજ્યે કયારેક સાધન શુધ્ધિનો આગ્રહ સેવ્યો નથી..કરાર કરીને તોડયા , વચન ભંગ કર્યો,જરૂર લાગી ત્યારે પીછેહઠ  કે શરણાગતિ સ્વીકારી,અને તક મળી ત્યારે આક્રમણ કર્યા.(પૂષ્ઠ 93)ઔરંગઝેબના વિશ્વાસુ સાથી મિર્ઝા રાજા જયસિંહને 1665માં પત્ર લખી શિવાજી મહારજ બાદશાહ વિરુધ્ધ ઉશ્કેરીનેહિંદુ_એકતા સાધવા પ્રયત્ન કરે છે પણ એમાં સફળતા ન મળતાં આગ્રા દરબારમાં જવા સંમત થાયછે. આગ્રા દરબારમાં શિવાજીનું અપમાન થયા પછી ફળોનાં કરંદિયામાં સંતાઈને શિવાજી અને એમના પુત્ર સંભાજી છટકવામાં સફળ થયાની હાસ્યાસ્પદ બાબતો આજે પણ ઇતિહાસનાં વિદ્યાર્થીઓને ભણાવાય છે.કાનેટકરે નોંધ્યું છે:આજે પણ હૈદ્રાબાદનાં સાલાર જંગ મ્યુઝિયમમાં મીઠાઈના એ હાર્મોનિયમ જેવા કરંડિયા મૌજુદ છે.શિવાજી જેવા દોઢસો પાઉંડનાં વજનના સાડાપાંચ ફૂટ ઉંચા માણસ એ કરંડિયમાં કઈ રીતે આવી શકે? એ કોઇ ગોડ્રેજ કબાટ નહોતો.બાદશાહની કેદમાંથી શિવાજી ચોકિયાતોને લાંચ આપીને  છૂટવાની શક્યતા વ્યકત કરાઇ છે.

   મુઘલ સેવામાં શિવાજી:                        

 આગ્રાકાંડ પછી શિવાજી અને ઔરંગઝેબ વચ્ચે સુમેળ સધાય છે.શિવાજી 1665નાંપત્રમાંઔરંગઝેબને લખે છે ,:હું ગુનેગાર છુંતમારે શરણે આવું છું. અને પ્રમાણિકતાપૂર્વક તમારી નોકરી કરવા સદાય તત્પર રહીશ.મુઘલ સૈન્ય સાથે મિર્ઝા રાજા જયસિંહના સહયોગી તરીકે શિવાજી પણ બીજાપૂરની ચડાઈમાં ભાગ લે છે.સમયાંતરે મુઘલ વિરોધી અટકચાળા બદલ ક્ષમાયાચના કરી લેવામાંય શિવાજીને સંકોચ થતો નથી.પોતાનું સમગ્ર જીવન ઔરંઝેબની સેવામાં અર્પણ કરવા અંગેનો પત્ર  22 એપ્રીલ 1667નાં રોજ એ લખે છે. 9માર્ચ 1667નાં રોજ એ લખેછે ,9માર્ચ 1668નાં રોજ ઔરંગઝેબને પત્ર લખીને શિવાજીને રાજાનો ખિતાબ આપ્યાનું યાદ દેવડાવે છે.મુઘલ બાદશાહ તરફથી શિવાજીને રાજા નો ખિતાબ મળ્યા પછી છેક 1674માં ગાગાભટ્ટને તેડાવીને છ્ત્રપતિ શિવાજી મહારાજ પોતાનો રાજ્યભિષેક યોજે છે. 1680માં શિવાજીની  આઠ પત્નીઓમાંથી એક સોયરાબાઈ થકી ઝેર અપાતાં છત્રપતિનું મૃત્યુ થયાની નોંધ અનેક ઠેકાણે મળેછે.શ્રી શિવાજી છત્રપતિ (મરાઠા મંદિર પ્રકાશન 1964)ના લેખક ત્ર્યબંક શંકર શેજવલકર,શિવાજીના અપમૃત્યુ વિષેનાં અલગ અલગ દસ્તાવેજોની છણાવટ કરેછે.શિવાજીના મૃત્યુ પછી  27 વર્ષે ઔરંગઝેબના મૃત્યુ સાથેજ મુઘલનો અંત આવ્યો,અને મરાઠાઓનું મહાભારત પૂરું થયું.    

 તટસ્થ મૂલ્યાંકન જરૂરી: 

 ઇતિહાસને માત્ર હિંદુ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મના ચશમાં ચડાવી જોવાથી  તો અનર્થ સર્જાય.શાસક એન સ્પર્ધક રાજાઓ કે બાદશાહોનાં તેમનાં પગલાનાં તટસ્થ અભ્યાસ થકી મૂલ્યાંકન થવા જોઇએ.ઉપલબ્ધ સંદર્ભો અને દસ્તાવેજી સામગ્રીને આધારે ઐતાહિસિક ઘટના ક્રમની છણાવટ કરવામાં સરળ સામાન્યીકરણ કરવું જોખમી લેખાય.ઔરંગઝેબ વિષે પૂર્વગ્રહ યુકત સામગ્રી થકી  ઉપસતી છબિ આ મુઘલ બાદશાહના વ્ય્ક્તિત્વને નિશ્ચિત પણે અન્યાય કરનારી છે.ઈતિહસના આયનામાં ત્રણાસો વરસ પછી ઔરંગઝેબ અને શિવાજીજ નહીં ,એમના સમકાલીનોને પણ તુલનાત્મક અભ્યાસ કરતી વખતે સવિશેષ કાળજી લેવાય કે વર્તમાન સંજોગોનાં ઘટનાક્રમનો ઓછાયો એના પર પડે નહીં.સંપૂર્ણ પણે તટસ્થતા કેળવીને ઔરંગઝેબ અને શિવાજીનાં ગુણ દોષ તારવવામાં આવે.આવું થાય તો ભારત વારંવાર પરાધીનતાની બેડીઓમાં શાને જકડાતું રહ્યું એ વાતને ખાળવાનો માર્ગ જરૂર મળી આવશે.ગ્લોબ્લઈઝેશનના યુગમાંય ઇતિહસ_વિશ્લેષણો લાલબત્તી ધરી શકે.                                                       _હરિ દેસાઈ   

 (શ્રી આઈ.પટેલ સા. એ આ કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ ને મોકલવા બદલ બઝમે વફા આભારની લાગણીવ્યકત કરે છે.1લો ભાગ પણ મોકલ્યો હોત તો સારું રહેત.બની શકેનો આ લેખમાળાના બન્ને ભાગોની સ્કેન કોપી મોકલવા વિનંતી છે.કોઇ પણ મિત્ર મોકલી શકે છે.બઝ્મે વફા).

ડોકિયું:

ઔરંગઝેબ આલમગીરની પુત્રી મેહરુન્નીસા ફારસી ભાષાની ઘણી સારી કવિયત્રી હતી.એક ફારસી કવિએ ઈરાનથી એક ફારસી ભાષામાં કવિતામાં ઉખાણું મોકલ્યું. અનુ. એવું મોતી કોઇએ જોયું છેજે અર્ધુ કાળું અને અર્ધુ સફેદ હોય મહેરુન્નિસાએ ફારસી શાયરીમાંજ ઉત્તર દીધો.અનુ.હા તે અશ્રુ જે કોઇ હસીનાના(સુંદર સ્ત્રી) કાજળ લગાવેલ નયનો માં થી ટપકે છે.જે અર્ધું કાળું હોય છે અર્ધું સફેદ હોય છે.ઈરાની ફારસી કવિ આ જવાબ વાંચી પ્રસન્ન થઈ ગયો.એણે પરવાનગી માંગી કે મારે આ કવિને મળવું છે. ઔરંગઝેબના મહેલમાં સ્ત્રીઓમાં ચુસ્ત પણે હિજાબ(પરદા)નું પાલન થતું હતું.મહેરુન્નેસાએ જવાબ મોકલ્યો કે જે ફારસી શાયરીમાંજ હતો અનુ. હું તે ફૂલની ખૂશ્બુ છું જેને તમે સુંઘી શકો પણ નિહાળી શકતા નથી,.ઈરાની ફારસી શાયર સમજી ગયો કે આ કોઇ પર્દો ધરાવતી સ્ત્રી છે. મળવાનો ઈરાદો ત્યાગી દીધો._વફા.

Disclaimer:with the views of any article,or poetry The blog ‘Bazmewafa.doesnot have necessary agreement.

Responses

સારી માહીતી આપી. ઈતીહાસ કદી સાચો લખી શકાય જ નહીં એ કહેતી ધ્યાનમાં આવે છે. આપણે સંતાનોને ખોટી માહીતીઓ શીખવાડીને વ્યક્તીગત જ નહીં,સામાજીક અને રાષ્ટ્રીય નુકસાન કરીએ છીએ.

શાહજાદીની અશ્રુવાળી અને ફુલની સુગંધવાળી વાતે તો ફીદા !

જુગલકિશોર સાહેબ આદાબ ’કુમાળ’જેવા પ્રતિષ્ઠિત સામયિકાના હવાલા થી આ લેખ આવ્યો ન હોત તો,મને પ્રસિધ્ધ કરવામાં સંકોચ રહેતે.ભારત ના એક મહાન વિદ્વાન અને ચિંતક અરબી ,ઉર્દુ ,ફારસીના મહાન સાક્ષ્રર સૈયદ અબુ હસન અલી નદવી.(જે નદવા ઈસ્લામિક યુનીવર્સીટી(ખાનગી),લખનવ ના 2000માં એમના નિ:ધન સુધી ચાંસેલર ,રહ્યાતેમજ 1984 થી 2000 સુધી મુસ્લિમા પર્સનલ બૉર્ડના ચેરમેને રહ્યા)એમણ લખેછે કે,ઈતિહાસ સુતેલો વાઘ છે.છંછેડવાની જરૂરત નથી.સમજવાની જરૂરત છે.ઈતિહાસના કોઇ તબકે થયેલી ભૂલ ન દોહરવાય તેમાટે તમામ રાજ્કિય,ધાર્મિક,શિક્ષણિકઅને સામાજીક સંસ્થાઓએ કટિબધ્ધ રહી ,એખલાસના વાતાવરણ માટે થઈ શકતા તમામ પ્રયાસો થવા જોઈએ.માધ્યમોની ઘણી મોટી જવાબદારી છે. બિનસમજદારી ભરેલી અને ટૂકી દ્રષ્ટિથી ક્ષણિક ફાયદો ઉઠાવવા માટે આપણે કેટલા મધપૂડા છંછેડી ઘણું મોટું નુકસાન ઉઠાવ્યુ છે.
હુંતો ખરેખર આવા લેખ માટે શ્રી હરી દેસાઈ અને ‘કુમાળ’ને બિરદાવું છું. આપના અભિપ્રાય બદલ આભારની લાગણી વ્યકત કરવા વગર રહી શક્તો નથી._વફા.

Leave a response

Your response:

Categories